Independence Day: લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત, કહ્યુ-‘2036 ઓલિમ્પિક ભારતમાં યોજાય તેની તૈયારી કરી રહ્યા છીએ’
આ અવસરે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ વિશે પણ વાત કરી હતી
દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ભારતનું સ્ટાન્ડર્ડ વિશ્વનું સ્ટાન્ડર્ડ બને. અમે ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર વર્લ્ડની દિશામાં કામ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે જે કોઈ G-20 દેશ નથી કરી શક્યા તે ભારતના લોકોએ કરી બતાવ્યું છે. સમય પહેલા પેરિસમાં નિર્ધારિત રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકને હાંસલ કરનાર કોઈ દેશ હોય તો તે માત્ર આપણું ભારત છે.
2036ની ઓલિમ્પિક ગેમ્સ અંગે પીએમ મોદીએ કહ્યું કે G-20ની બેઠકો દેશભરમાં અલગ-અલગ શહેરોમાં યોજાઈ હતી. આનાથી સાબિત થાય છે કે ભારત આનાથી પણ મોટી ઈવેન્ટનું આયોજન કરવાની ક્ષમતા ધરાવે છે. અમે ભારતમાં યોજાનારી 2036 ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે પેરિસ ઓલિમ્પિકના મેડલ વિજેતાઓને અભિનંદન આપ્યા અને પેરિસમાં પેરાલિમ્પિક્સ માટે જવાની તૈયારી કરી રહેલા એથ્લેટ્સને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે
પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે. મારી પ્રતિષ્ઠા રાષ્ટ્રની પ્રતિષ્ઠાથી મોટી નથી. મારું સપનું રાષ્ટ્રના સપનાથી મોટું નથી. હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે તમે મને જે જવાબદારી સોંપી છે, હું ત્રીજી ટર્મમાં ત્રણ ગણી વધુ તાકાત અને ત્રણ ગણી વધુ ઉર્જા સાથે કામ કરીશ.
સેક્યુલર સિવિલ કોડ એ સમયની જરૂરિયાત છે
પીએમ મોદીએ કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતે વારંવાર કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ હોય. બંધારણની પણ આ જ ભાવના છે. જે કાયદાઓ સમાજને વિભાજિત કરે છે, આવા કાયદાનો કોઈ અર્થ નથી. હવે દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોવો એ સમયની જરૂરિયાત છે. પરિવારવાદ અને જ્ઞાતિવાદથી દેશને ઘણું નુકસાન થઈ રહ્યું છે.
પીએમએ કહ્યું કે તેનું મિશન એવા એક લાખ આશાસ્પદ યુવાનોને રાજકારણમાં લાવવાનું છે જેમના પરિવાર કે સંબંધીઓ ક્યારેય રાજકારણમાં નથી આવ્યા. આવા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ જેથી આપણે ભત્રીજાવાદ, જાતિવાદથી આઝાદી મેળવીએ અને લોકશાહી સમૃદ્ધ બને. આપણે આ દિશામાં આગળ વધવાનું છે.